
01/06/2025
ઘણું દુ:ખદ અને આઘાતજનક, વિહાર દરમ્યાન રાજસ્થાન પાલી ખાતે ટ્રકે ટક્કર મારતા આચાર્ય શ્રી પુંડરીકરત્ન મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા. ગુરુજી, આપની સાથે દરેક વાત બહુજ સ્વાભાવિક રૂપથી થતી, ગૌતમ અદાણિજી અને તેઓના ભાઈ વિનોદ અદાણિજી રૂબરૂ ગુરુજીને વંદન કરવા આવે, અમારો એનિમલ હોસ્પિટલનો પ્રોજેકટ ગુરુજીને ઘણો ગમી ગયેલ, ગુરુજી મને કહેતા કે ભાવેશભાઈ હું ગૌતમભાઈને કે વિનોદભાઈને સામેથી આ પ્રોજેકટ બાબતે નહીં કહું પરંતુ જો ગૌતમભાઈ કે વિનોદભાઈને મને પૂછશે કે કઈ જરૂર છે? તો હું ચોકકસથી આપનો પ્રોજેકટ તેઓને સમજાવી દઇસ, આજ કારણસર અમારા એનિમલ હોસ્પિટલનો પ્રોજેકટ હમેશા ગુરુજી પાસે રહેતો જ્યારે જ્યારે તેઓ અદાણિ શાંતિગ્રામ ઉપાશ્રય ખાતે રોકાયેલા હોય.
ગુરુજી સાથે પહેલી મુલાકાત થઈ તે પ્રસંગ પણ અવિસ્મણીય છે, પાલિતાણા ખાતે જ્યારે અમે ડોગને વેક્સિનેસન કરી રહેલ હતા ત્યારે અમે જોયું કે પાલિતાણાના એક લોકલ વ્યક્તિ કેટલાક કુતરાઓને ખરાબ અવસ્થામાં રાખી રહેલ હતા, અમે એમની સાથે વાત કરી તો ખબર પડી કે ભાઈ માનસિક રીતે અસ્વસ્થ છે, તેઓએ ગાળાગાળી અને જગડો કરવાનું શરૂ કરી દીધું, નજીકમાં ઉભેલ એક બીજા વ્યક્તિએ અમને કહ્યું કે આપ વિસાની ધર્મશાળા ખાતે રહેતા આચાર્ય શ્રી પુંડરીક રત્ન મહારાજ સાહેબને આ બાબતે મળો, આ ભાઈ ખાલી તેઓનું જ સાંભળે છે.
મને એ પ્રશ્ન થયો કે આ બાબતે આચાર્ય ગુરુદેવ શું કરી શકશે? પરંતુ ઈચ્છા થઈ કે ચાલો મળી તો લઈએ, હું ગુરુજીને આ બાબતે મળવા ગયો, વાત સાંભળીને ગુરુજીએ પળનો પણ વિલંબ કર્યા વગર કહ્યું કે ભાવેશભાઈ આપણે એ ભાઈને જઈને મળી લઈએ? મે હા કહી અને ગુરુજી તરત જ અમારી સાથે આવવા તૈયાર થઈ ગયા, જૈન સાધુ એક જ્ગ્યાએ થી બીજી જ્ગ્યા એ ચાલતા જતાં હોય છે, પેલા ભાઈ 3 કિલોમીટર દૂર હોવા છતાં ગુરુજી એ જ્ગ્યા પર જવા ચાલતા થયા, ગુરુજી સાથે અમે પણ એ દિવશે વાહન સાથે મૂકીને ચાલ્યા, ત્યાં પહોચીને ગુરુજી સાથે મળી અમે કેટલાક ડોગને રેસક્યું કર્યા અને તેઓને વેક્સિન પણ મૂક્યું, આ રેસક્યું કરેલા ડોગ્સ માટે ગુરૂજીએ મને એક જ્ગ્યા પણ બતાવી અને કહ્યું કે ભાવેશભાઈ આ જ્ગ્યા તમે આ ડોગ્સને રાખવા માટે વાપરી શકો, આ ઉપરાંત ગુરુજીએ કહ્યું કે શંખેશ્વર ખાતે પણ મારી જમીન છે તે પણ આપ જીવદયાના કાર્ય માટે વાપરી શકો છો, આખી બાબતનું સમાધાન થયા પછી અમારી પાસે તો વાહન હતા જે થકી અમે બીજા ડોગ્સને વેક્સિન મૂકવાનું શરૂ કર્યું પરંતુ ગુરુજીએ તો બીજા 3 કિલોમીટર ચાલીને પાછું ધર્મશાળા પણ જવાનું હતું, તેઓ ચાલતા ચાલતા પાછા ધર્મશાળા પહોચ્યા.
આટલા સમયમાં ગુરુજી સાથે ઘણીજ ઘનીષ્ટા કેળવી, મળવાનું થતું ત્યારે 3-3 કલાક સહજ એમની સાથે બેસાઈ જતું, ઘણા ઓછા લોકો સાથે હું આ રીતનો સંવાદ સાધી શક્યો છું, ખુશી છે કે આપ ગુરુદેવજી સાથે જીંદગીનો ઘણો સારો સમય વ્યતીત કરી શક્યો, પરંતુ ઘણું જ દુ:ખ થાય છે કે આપ અચાનકની આ રીતે દુનિયા છોડી ગયા. ગુરુજી હમેશા કહેતા કે આણંદ બાજુથી વિહાર કરવાનું થશે તો ભાવેશભાઈની એનિમલ હોસ્પિટલ પર રહીને જ જઈશું, અમારું આપશ્રી ગુરુદેવજીને અમારી એનિમલ હોસ્પિટલ બતાવવાનું સપનું આખરે સપનું જ રહી ગયું, આપનો પર્યાય નહીં જડે, આપશ્રીને કોટિ કોટિ પ્રણામ.🙏🙏